" શ્રી શેષશાયી નું ધોળ "
શ્રી નર્મદાજી તટ ઉપરે ચારૂ ચંડી રે ગ્રામ,
મહિમા વખાણું સ્થળ તણો, સમોવડ વૈકુંઠધામ (૧)
એક સમે સુર વિનતી, સાંભળી ને રે શ્રીનાથ,
ક્રોધ કરીને ઉઠીયા, ચક્રધારી નિજ હજ હાથ (૨)
તલ મેઘ અસુર ને મારિયો, ફેડ્યો દુષ્ટ નો ઠામ,
ચક્ર સુદર્શન નું વપુ, તેથી દીઠું રે શ્યામ (૩)
શાંકરી સલીલ સૂચી ઘણું, આવી પખાડ્યું તે માંહે (૪)
ચક્રે તીર્થ તે દિવસ થકી, સહુ કોઈ કહે છે રે ત્યાહે (૫)
તે દિનના દીનાનાથ, બિરાજે છે ચંડી રે પુર
નિજ જન ને સુખ આપવા, દુખ અઘ કરવા રે દુર (૬)
શોભા શી વરણું શ્રી અંગની, નાખ શીખ સુંદીર રૂપ,
શંખ ચક્રે ગદા પર ધરી, પોઢ્યા ભવનારે ભૂપ (૭)
મસ્તક જર કશી ઢળકતી રે, પાંપણે ઉપર પાઘ,
કેશરી તિલક સોહામણું, ઉર ભ્રગું લાંછન ડાઘ (૮)
નાસિકાએ નથ વેસર, કુંડળ ઝળકે રે કાન,
ચિબુક ચારૂ ને વારૂ વેળિયું, શોભે છે ભીને વાન (૯)
શોભે ગળે ગળું બંધને, હેમ મુક્તાફળ માળ,
બાહે બાજુ બંધ બેરખા, કનક કંડા છે રસાળ (૧૦)
પીંતાબર કટી મેખળા, નેપૂર વાજે રે પાય,
અંગો અંગ અતિ માધુરી, મન જાય મન લોભાય (૧૧)
ચરણ સેવા કમળા કરે, શેષ ઉપર કર્યું શેન,
શાંત સ્વરૂપ શ્રી નાથનું, કરૂણા ભરેલા બે નેન (૧૨)
શ્રી શેષશાયી જળશાયી, નારાયણ એમનું નામ,
લોક પિતા શ્રી મહાલક્ષ્મી પતિ, શ્રી હરિ પુરણ કામ (૧૩)
નટવર નંદકુંવર, શ્રી પુરુષોત્તમ શ્રી વૃજરાય,
નિર્મળ યશ એવા નાથના, જન દયાશંકર ગાય (૧૪)
- ભક્ત કવિ શ્રી દયારામ ( ચાંદોદ )
નર્મદે હર !